4/03/2016

દીકરી


ગઈકાલે
પાડોશીની દીકરીના
લગ્નની તારીખ નક્કી કરવા
મહેમાનો આવ્યા હતા,
હું પણ હાજર હતો
કેલેન્ડરની હાજરીમાં તારીખ
નક્કી થઈ
અને મારી આંખો સામે
કન્યાવિદાયના પ્રસંગો
ફિલ્મપટ્ટીની જેમ પસાર થવા લાગ્યા
બેકગ્રાઉન્ડમાં દીકરીના કરૂણ
રૂદનનો અવાજ સંભળાયો…
હું ઘરે આવ્યો
મન બેચેન હતું…
મારી દીકરીએ પૂછ્યું :
“શું થયું પપ્પા? તબિયત ઠીક નથી?”
મેં કહ્યું
“ના બેટા હું તો બસ એમ જ જરા…”
ને બસ પછી
મારાથી એકદમ જાણે
ચીસ પડાઇ ગઈ
અંદરોઅંદર
હા..હા..એક દિવસ તારે પણ
દીકરીની તારીખ નક્કી કરવી પડશે…
ત્યાં હાથમાં ગ્લાસ લઈ આવેલી દીકરીએ જગાડ્યો…
“લો પપ્પા પાણી પીવું છે?”
મેં મારી આંખમાં આવેલું પાણી
માંડ‌-માંડ
અંદરોઅંદર પી લીધું.

અનુભૂતિ


મારા ઘરથી ખેતર સુધી
ટૂંકો રસ્તો છે
હું ચાલતો જાઉં છું  
શેઢા પર
અને ખાડા-ટેકરા આવતા જાય છે
ખેતરના છેડે ઉભેલા થોરીયા
મારી સામે જોઈ રહે છે
નિ:શબ્દ બની હું એમને
જોતો રહું છું…
માણસોની ભીડ ધીરે ધીરે
દૂર થતી જાય છે
મારા અંદર રહેલી ઉદાસીનું
સૂર્યના તડકામાં બાષ્પીભવન થાય છે
ચાલતાં-ચાલતાં…
લીલાંછમ ખેતરોની વચ્ચે
અચાનક એક કવિતા
ઉગી નીકળે છે
આપોઆપ
એક-એક શબ્દ ફેલાય છે
સંવેદનાઓ છલકાય છે
ને અક્ષરો દોડે છે મારા
ધસમસતા રક્તપ્રવાહ સાથે
અને
મને લાગે છે કે
“વનસ્પતિ સંવેદનશીલ હોય છે”
એ ખરેખર સાચું છે.

3/03/2016

હાઇકુ            હમણાંથી રોજ સવારે ચાલવા જવાનો ક્રમ નિયમિત થયો છે. મારા ઘર પાછળથી દસ ડગલાંના અંતરે લીલાંછમ ખેતરોમાં ફરવાનો અનુભવ ખૂબ આનંદદાયક  છે. આજે સવારે ચાલતાં-ચાલતાં મારા ફોનના કેમેરાએ કેટલાક સરસ ફોટોગ્રાફસ લીધાં.એમાંથી એક ફોટોગ્રાફ અને એના પરથી જીવનની ક્ષણભંગુરતા પર લખાયેલ હાઇકુ...


12/25/2015

ગઝલ...

સમજનું  પારણું બંધાય તો સારું
ઢળે છે સાંજ એ સમજાય તો સારું

મળે કે ના મળે સૂરજ સમું ઝળહળ
અહીં તો બસ દિવો પેટાય તો સારું

સતત એની સવારી છે હ્રદય પર જો
ઇચ્છાઓનું ગળું ટૂંપાય તો સારું

મથામણને મથામણમાં સદીઓ ગઇ
વિચારોની દિશા બદલાય તો સારું

ગુના કર્યા હતા સમજી વિચારી જે
લગોલગ છું હવે વિસરાય તો સારું

ઝડપથી લાગણી મારી બને શબ્દો
ઝડપથી મૌન આ પડઘાય તો સારું

11/01/2015

હું કંઇક છું ?


હોય તને એમ કે “હું કંઇક છું”
પણ ભાઇ તું કાંઇ નથી...
તે ક્યારેય સૂરજને સાંભળ્યો છે…???
આવું કહેતા...
“ એ ચંદ્ર , તારો પ્રકાશ મારા કારણે છે “
ઝરણાંના ખળખળ વહેવામાં
તને કોઇ દિવસ સંભળાયું...???
“ હું નિર્મળ છું “
સાગરના ઉછળતાં મોજાઓએ ક્યારે કહ્યું...???
“ અમે આટલાં ઊંચે ઉછળીએ છીએ “
તે નદીને ચૂપચાપ
શાંત વહી જતાં જોઇ હશે...
અરે વરસતાં વાદળો કદી ગર્વ કરતાં નથી...
તો પછી તું...???
કોઇ ઘટાદાર વૃક્ષની છાયામાં બેસ
અને આભાર માન ઇશ્વરનો
જેણે તને કંઇક નહી પણ
મનુષ્ય બનાવ્યો છે. 

10/29/2015

આ પ્રેમ શું છે ?


તું મને ઘણીવાર પૂછે છે 
“ આ પ્રેમ શું  છે ?
કહું ?
તારા જમણા હાથની
કૂમળી આંગળીઓના ટેરવાંનો
સ્પર્શ
જ્યારે મારી છલકતી
આંખોને થાય છે ત્યારે
મને સમજાય છે કે
આ પ્રેમ શું  છે ?

10/07/2015

બે ચહેરા

મારી પાસે બે ચશ્માં છે
એક થ્રી પીસ...
એકદમ પાતળી ફ્રેમનાં-લાઈટ વેઇટ
ચહેરાને ચમકદાર કરી નાંખે
બીજા કોફી કલરની ફ્રેમનાં,
વજનદાર...
એને પહેરું છું તો મને લાગે છે કે
હું એલિયન છું  
જ્યારે-જ્યારે મારે ક્યાંક જવાનું થાય છે
ત્યારે-ત્યારે હું અવઢવમાં હોઉં છું
ક્યા ચશ્માં પહેરું...???
ક્યા ચશ્માં પહેરું...???
પછી...?
મારી સામે બે ચહેરાં આવે છે
એક ભીડ વચ્ચે...
થ્રી પીસ પહેરેલો- ચમકદાર
અને બીજો
એકાંતમાં...
પેલી કોફી કલરની ફ્રેમ પહેરેલો...
અરે...!
હું તમને શું વાત કરી રહ્યો છું...?
ચશ્માંની કે પછી
મારી-તમારી અંદર છૂપાયેલાં
બે ચહેરાની...???
                આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે ઝોલા ખાતાં માણસે ક્યારેક કોઇ ઘટાદાર વૃક્ષની નીચે બેસી પોતાની જાતનું વિહંગાવલોકન કરવાની તક લેવી જોઇએ. ફાસ્ટલાઇફ અને સ્વાર્થના  સંબંધો વચ્ચે હું મારું સાચું અસ્તિત્વ કેટલું ટકાવી શકું છું ? આ પ્રશ્ન દરેકે પોતાની જાતને પૂછવા જેવો ખરો. પળપળ ચહેરાં બદલતાં અને નેતાની જેમ “ અભી બોલા અભી ફોક ” જીવનમંત્ર બનાવી સ્ટેટમેન્ટ બદલતાં રહેતાં લોકોની વચ્ચે મારા જીવનની ફિલસૂફી શું છે ? હું મારા ચહેરા પર કેટલાં ચહેરાં પહેરું છું ?

10/06/2015

રે સમય.....


              જીવનને ઝરણાંની માફક વહેતું રાખવું જરૂરી છે. યોગ્ય લય સાથે વહેતા શ્વાસ ક્ષણોને મધુર બનાવે છે.લય ખોરવાય તો આપણને અંતરાત્મા એક ચોક્કસ સંકેત આપે છે. એ સંકેતને ઓળખી શકીએ તો કદાચ લયને જાળવી શકીએ. સમયની અતિ કિંમતી ક્ષણો હાથમાંથી કંઈપણ ઉપયોગ કર્યા વગર લસરી જાય તો એક અજંપો હ્રદયમાં ઘર કરી જવો જોઈએ કે મારા માલિકે મને આપેલા શ્વાસોશ્વાસની મેં અવહેલના કરી છે. આવી સરી જતી ક્ષણોના વિષાદમાં આ કાવ્યનો જન્મ થયો છે...

ઘૂંટાતો, પીસાતો
હું
અંદરો-અંદર...
ક્યાં ઉલેચું મારા સ્વપ્નનાં દરિયાને ?
સંવેદનાઓ જાણે
બધી એકઠી થઇ ચઢે છે
મારા પર
ઘૂંટે છે પીસે છે અને
પછી અટ્ટહાસ્ય કરતી
વેરાઇ જાય છે
દિવસ ઉગે છે કીડીના પગ જેટલો
રાતો લાંબી...લાંબી...
ઊંચે ઊડતાં પારેવાં જોઇ
મન ઊડતું નભમાં
પણ ના,
વૃક્ષોની આરપાર , સૂરજ ડૂબે ત્યાં
પહોચવું છે મારે
વિના વિલંબે...
કેવી રીતે ?
શબ્દ બની કાગળ પર દોડું ?
હવા બની વાદળ પર દોડું ?
કિરણ બની ઝાકળ પર દોડું ?
છે મથામણ ઘૂંટાતી
ક્યાંક આમ ને આમ
કીડીના પગ જેટલા મારા
દિવસો
કીડીપગે જતાં ન રહે
રે સમય....!!!  

9/28/2015

લીલીછમ શક્યતાઓ....


     જીવનમાં ઘણા તબક્કા એવા આવતાં હોય છે જ્યાં પ્રેરણાની જરૂર હોય છે. કોઇ નાનકડો પ્રસંગ કે કોઇની નાનકડી વાત અને ક્યારેક કુદરતે રચેલી સૃષ્ટિની અનેકવિધ રચનાઓમાંથી કોઇ રચના પ્રેરણાની પગદંડી થઇ આપણને ધન્ય કરી નાંખે છે, જરૂર છે બસ થોડી દૃષ્ટિને વિકસાવવાની અને હકારાત્મક અભિગમ અપનાવાની...સૂકાભઠ્ઠ વૃક્ષો પર
લીલીછમ શક્યતાઓની
કૂંપળો ફૂટી શકે છે...
અને
રણમાં સ્વપ્નોનું
ગુલાબ ખીલી શકે છે...
અરે...
ખબર છે તને...?
સાવ નાજુક તાંતણે
કરોળિયો પડી‌-આખડી
ચડી શકે છે...  
ઉદાસ કેમ છે ???
સુખની તલાશ કર અ‍શ્રુઓમાં,
મીઠી સંવેદનાઓ ખારાજળમાં
પણ છલકી શકે છે... 

(પ્રેરણાસ્ત્રોત- ઉપરની તસ્વીરમાં દેખાતું મારી શાળામાં ઉભેલું  લીમડાનું વૃક્ષ જે પ્રથમવાર ૨૦૦૬ માં ચોમાસા દરમિયાન જમીનદોસ્ત થયું હતું  અને તેને ફરી ઉભું કરાતાં તે ધીમે ધીમે ઘટાદાર થઇ ગયું અને આ વર્ષે (૨૦૧૫) ફરી ચોમાસામાં જમીનદોસ્ત થયું અને  ફરી ઉભું કરતાં હવે ફરી તેનામાં લીલીછમ કૂંપણો ફૂટી છે.)   

9/26/2015

લાગણીની ખેતી

મારું હ્રદય,
લીલીછમ લાગણીનું ખેતર
આવો
અને જરા વાવો લાગણી
બસ
તરત ઉગી નીકળશે
ન નિંદામણ ના જીવાત
ન ચાડિયો ઊભો કરવાની વાત
ન ધોરીયા કરવા,
ન થ્રેસર બોલાવવું,
આપણે ખેડૂત આપણે મજૂર
સરળ ને સીધી આ ખેતી
ગમે તો કરજો
બસ ખ્યાલ એક રાખજો
બીજ લાગણીનું

‘ઓરિજિનલ’ નાંખજો.....